Wednesday, August 12, 2009

અમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા


[ ડૉ. આઈ. કે. વીજળીવાળાના ઉત્તમ પુસ્તકોની શ્રેણીમાં થોડા સમય અગાઉ પ્રકાશિત થયું છે ‘મોતીચારો ભાગ-4’ એટલે કે ‘અમૃતનો ઓડકાર.’ ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત થયેલી સુંદર જીવનપ્રેરક કથાઓના અનુવાદ કરીને તેમણે આપણને અને ગુજરાતી સાહિત્યને અમૂલ્ય સાહિત્યની ભેટ ધરી છે.]

[અ] બાળકોના મતે ‘પ્રેમ’ શબ્દનો અર્થ

એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં 4 થી 8 વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :

[1] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય ! – (રિબેકા, 8 વર્ષ)

[2] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !’ – (બિલિ, 4 વર્ષ)

[3] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ !’ – (ક્રિસ્ટી, 6 વર્ષ)

[4] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’ – (ટેરી, 4 વર્ષ)

[5] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય ! – (ડેની, 7 વર્ષ.)

[6] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’ – (બૉબી, 7 વર્ષ.)

[7] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !’ – (નોએલ, 7 વર્ષ.)

[8] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !’ – (ટોમી, 6 વર્ષ.)

[9] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !’ – (કલેર, 6 વર્ષ.)

[10] ‘પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે – એ જ તો વળી !’ – (ક્રિસ, 7 વર્ષ.)

[11] ‘સવારમાં તમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે એને પ્રેમ કહેવાય !’ – (મૅરી એન, 4 વર્ષ.)

[12] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ !’ – (કરેન, 7 વર્ષ.)

નથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, ‘બેટા ! તેં વળી દાદાને શું કહ્યું ?’
‘કંઈ નહીં મમ્મી !’ બાળકે જવાબ આપ્યો, ‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !’
…..બસ, આ જ પ્રેમ !!

[બ] ભગવાન શું નહીં પૂછે – શું પૂછશે ?

[1] ભગવાન એ નહીં પૂછે કે આપણે કઈ બ્રાન્ડની કાર વાપરતા હતા, પરંતુ એ જરૂર પૂછશે કે કેટલા જરૂરિયાતવાળા અને અશક્ત લોકોને એમના ઘર સુધી પહોંચવામાં આપણે મદદ કરી હતી !

[2] ભગવાન એ નહીં પૂછે કે આપણું ઘર કેટલા સ્ક્વેરફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે, પરંતુ એ જરૂર પૂછશે કે સાચા દિલથી એ ઘરમાં આપણે કેટલા લોકોને આવકાર્યા હતા.

[3] ભગવાન એ નહીં પૂછે કે આપણી પાસે કેટલા અને કેવાં કપડાં છે, પણ એ જરૂર પૂછશે કે કેટલા લોકોના ઉઘાડા શરીર આપણે ઢાંકી શક્યા.

[4] આપણા સામાજિક દરજ્જા અંગે પૂછપરછ કરવાની એ જરાપણ દરકાર નહીં કરે, હા ! આપણા નૈતિક દરજ્જા અંગે એ બરાબર પૂછશે !

[5] આપણી પાસે કેટલી સંપત્તિ હતી એ અંગે જાણવામાં એને રસ નહીં હોય, પરંતુ આપણે સંપત્તિના કે સંપત્તિ આપણી ગુલામ હતી એ અંગે એ જરૂર પૂછશે.

[6] આપણો પગારનો ગ્રેડ કેટલો ઊંચો હતો એ અંગે ભગવાન કશું જ નહીં પૂછે, પણ એને માટે અને એટલો ગ્રેડ હોવા છતાં આપણે કેટલું નીચે ઊતરવું પડ્યું હતું એ તો જરૂર પૂછશે.

[7] આપણને નોકરીમાં, સમાજમાં, સત્તામાં કે અન્ય સંગઠનોમાં કેટલી બઢતી મળી એની સાથે એને કંઈ જ લેવાદેવા નથી, પરંતુ બીજા લોકોને આગળ આવવા દેવામાં આપણે કેટલી મદદ કરી કે શું કર્યું એની એ સવિસ્તાર નોંધ માગશે. (જોકે એની પાસે એ નોંધ હશે જ !)

[8] આપણે કલાસ વનના કે કલાસ ફોરના કર્મચારી હતા એ અંગે એ કંઈ જ નહીં પૂછે, પરંતુ આપણને સોંપાયેલ જે કંઈ કામ હોય તે આપણે નિષ્ઠાપૂર્વક કર્યું હતું કે નહીં એની એ પાક્કી પૂછપરછ કરશે.

[9] પોતાની જાતને મદદરૂપ થવા માટે આપણે શું શું કર્યું એમાં એને થોડોક પણ રસ નહીં હોય, પરંતુ બીજાને મદદરૂપ થવા આપણે શું કરી છૂટ્યા એ અંગે એ બધું જ વિગતે પૂછશે.

[10] આપણા કેટલા અને કેવા સરસ મિત્રો હતા એની થોડીક પણ પૂછપરછ એ નહીં કરે, પરંતુ અન્ય લોકો સાથે આપણે કેટલો મિત્રતાપૂર્ણ વ્યવહાર કરતા હતા એ વાત એને મન ખૂબ જ અગત્યની હશે.

[11] આપણા પોતાના હક્કોની જાળવણી માટે આપણે કેવો અને કેટલો સંઘર્ષ કર્યો એના વિશે ભગવાન કંઈ જ નહીં પૂછે, પરંતુ બીજાના અધિકારોની જાળવણી માટે આપણે કેટલું લડ્યા એની રજેરજ માહિતી એ માગશે.

[12] આપણે કેવા ઉચ્ચ પડોશમાં રહેતા હતા એની એને જરાય પડી નહીં હોય, પરંતુ આપણા પડોશીઓ સાથે આપણો વ્યવહાર કેવો હતો એ જાણવામાં એને જરૂર રસ હોવાનો !

[13] આપણી ચામડીના કે ચહેરાના રંગને એ જોવાનો જ નથી, એ તો આપણા ચારિત્ર્યના ચહેરાને જ જોશે અને એ અંગે જ પૂછશે.

[14] આપણે બોલ્યા એ કેટલી વખત આચરણમાં મૂક્યું એ અંગે એ નહીં પૂછે, પરંતુ એવું કેટલી વાર નથી બન્યું એ અંગે જરૂર પૂછાશે.

[15] અને છેલ્લે…. પોતાના હાથ ફેલાવીને સર્વ સુખ અને શાંતિના દરવાજા ખોલીને આપણી રાહ જોઈ રહેલો એ એવું નહીં જ પૂછે કે આટલી બધી વાર શું કામ થઈ, પરંતુ એ એવું જ પૂછશે કે આ બધું તમારા માટે જ છે, પણ આ બધું છોડીને ફાલતુ વસ્તુઓ માટે જતા તો નહીં રહો ને ?!

[કુલ પાન : 87. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : http://gujaratibestseller.com/ અથવા આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]

0 comments:

Post a Comment

બ્લોગ વિશે કે પોસ્ટ વિશે આપના સર્વ પ્રકારના
પ્રતિભાવો અને સહકાર સદા આવકાર્ય છે.
આશા છે આપની આ બ્લોગની મુલાકાત આનંદદાયક રહેશે.

 

Site Info

free counters

Followers

Vishal Mistry Copyright © 2009 Community is Designed by Bie Blogger Template